ઊડી ગયેલા પક્ષીઓના ડાઘા રહી જાય છે ઝૂલતી ડાળ પર
એટલે જ તો ન્હોરનો ઘસરકો વાગ્યો હોય છે ત્યાં
લીલા ટશિયા ફૂટે છે પાંદડીના
ને હીરકચા ફળો મીઠાશથી ગાભણા બને છે, ટહુકાને ઉઝરડે.
સ્ત્રી પણ એ જ રીતે બેસે છે ઘરને મોભારે ને કશુંક સાંભરી આવ્યું હોય
એમ અલોપ થઈ જાય છે, અચાનક.
એના હાથમાં હોય
નીચોવવાનું લૂગડું અથવા સાવરણી
કે આંગળીના ટેરવે ચોંટેલી હિંગના વઘારની ગંધ
અથવા હમણાં જ બદલેલા બાળોતિયાની ભીનાશ -
એનું મુખ તમારી તરફેણ કરતું રહે છે જીવનભર
ને પગ? - માટીની. મતલબ કે આકાશની.
ઘરમાં પેસે ત્યારે એ હોય છે પંખી
પણ સળેકડી જેવા પગ પૃથ્વીને અડતાંની સાથે જ
વર્તવા માંડે છે એવી તો વિચિત્ર રીતે કે
હેબતાઈ જાય છે વિહંગો ને વૃક્ષોનો આ આખો મહોલ્લો:
ક્યારામાં હમણાં રોપેલા છોડવાની જેમ એ ઊભી રહે છે ઉંબરે
અપરિચય અને આત્મીયતાની મધ્યે.
પગ શરૂ કરે છે મૂળિયાં નાખવાનું, - પરસાળમાં, પાછલા વાડાની ઉદાસીમાં,
હિસાબની કાળગ્રસ્ત ડાયરીમાં, તમારી સુખી જાંઘમાં ને દુ:ખી કલેજામાં,
હવેથી ન તો ઊડી શકે છે પંખીઓ કે
ન તો સ્થિર ઊભાં રહી શકે છે વૃક્ષો, ક્યારેય.
છલોછલ રહે છે, હવેથી, ઠીબ અને ક્યારો, બંને, કોરાપાથી.
તમારા કાંસાના વાટકામાં ચાંદાની રાબ રેડે ત્યારે પણ
પાછા પગલે એ આછું આછું સરકતી રહે છે સ્મશાન ભણી-
રાખોડી કરચલિયાળ ચામડીવાળી તમારી વડદાદી, દાદી કે મા
- તમારી કે તમારાં છોકરાંવની.
પંખી બની જાય
આકાશમાં ઊંડા મૂળિયાવાળું અરુંધતીના તારાનું પિતરાઈ
પછી ય ઘર આખામાં પ્રસરતા રહે છે
મિષ્ટાન્નની સુગંધ, બાળકોનો કિલ્લોલ ને નક્ષત્રોની ઘરેલુ ભાષા
શ્રાદ્ધના દિવસે.
ભારેપગી વહુદીકરીઓની મંથર ચાલમાં વર્તાય છે
પંખી જેવી હળવાશ અને લચેલા વૃક્ષ જેવું લીલું ભારણ
ને એમ આખું ય ઘર દાબ્યા કરે છે જિંદગીનું પગેરું.
જોકે ઘરની ફરશ પર એ પગલાં પેખી શકાતાં નથી.