ટેબલ પર પડ્યું છે એક ગુલાબ
દરગાહ પર કે ગભારામાં પડ્યું હોય એટલું બેપરવા
હશે તો ખરી જ , પણ મારા સુધી પહોંચતી નથી એની સુગંધ
ટચૂકડી દાંડી પર
એકબીજાને ચપોચપ વળગીને
વૃત્તાકારે ગોઠવાયેલી એની પાંદડીઓ
કેવી તો સુંદર અને કોમળ ભાસે છે
લાલચટક
બારી કને પાણી પાયેલા કૂંડામાં
માટીના ઓઘરાળાવાળી વસંત ઊભી છે,-
પણ આ ગુલાબ એની તરફ એક દૃષ્ટિ સુધ્ધાં કેમ ફેંકતું નથી?
ગુલાબજળ અને ગુલકંદ જાહેરમાં એવું કેમ કહી રહ્યા છે, કડવાશથી કે
અમારે તો ન્હાવાનિચોવાનો સંબંધ પણ નથી એની સાથે ?
જુઓને, હું એને આવી રીતે તાકી રહ્યો છું, ક્યારનો - બીજું કોઈ હોય તો
કપાળે પરસેવો વળી જાય
પણ આની પર તો ઝાકળનું એક ટીપું સુધ્ધાં નથી બાઝ્યું
કદાચ આ ગુલાબ છે ખરું, પણ નથી
લગભગ તો લાગે છે કે છે ( પણ કશું કહેવાય નહીં, આ જમાનામાં ) કદાચ ન પણ હોય
મુખ્યાર્થ ઘટાવીએ તો છે, ધ્વન્યાર્થમાં ખૂટે છે થોડાંક લક્ષણો, બત્રીસમાં
એ તો જે હશે તો હશે
પણ મારો તો આખો ય ભવ
બની ગયો છે અવઢવ
ભ્રમર, મધમાખી કે પતંગિયાં જેવા
તજજ્ઞો પણ નથી મારા આ ઓરડામાં
કે સલાહ લઈ શકાય
આ એક શંકાસ્પદ ગુલાબ છે એવું વાક્ય કઢંગું લાગશે,
ખાસ તો આપણી ભાષામાં , પણ છૂટકો નથી....
સસ્પેન્સ ફિલ્મની દોરવણી હેઠળ
આસ્તે આસ્તે, દબાતે પગલે, અત્યંત સાવધાનીપૂર્વક
હું એની નજીક સરું છું :
ઓહ,
આ તો નર્યો ઢોંગ કરી રહ્યું છે ગુલાબ હોવાનો
એની રદ્દી પાંખડીઓ પર છપાયેલા છે બોલ્ડ લેટર્સ કોલ્ડ પ્રિન્ટમાં
એલફેલ અને અડધાપડધા
ખંડિત વાક્યો અને ખોડંગાતા સંદર્ભો
કાંખઘોડીના ટેકે
એમાં ફરવા મથે છે ગઇકાલનાં સત્ય, મોં કાળું કરીને
એના સ્પર્શમાં સુઘડ નિર્લજ્જતા છે
એને સૂંઘવાથી કાળોતરી જેવી ગંધ આવે છે,
પણ એક વાત માનવી પડશે : એની કારીગરી અદભૂત છે, ખંધાઈભરી રીતે કુદરતી
કોકે જૂના અખબારના કાગળિયાં કાતરીને
એને બનાવ્યું છે
જુઓને એ કેટલું તો લાલઘૂમ છે
ચટકતું લાલ